મળવા જેવા માણસ – પી.કે.દાવડા

(મિત્રો, હું થોડી એવી વ્યક્તિઓને ઓળખું છું કે જે લોકો મારા મતે મળવા જેવા માણસો છે. આવા લોકોને પરિચય હું મારા મિત્રોને કરાવવા ઈચ્છું છે. આ હારમાળાનો પહેલો પત્ર મોકલું છું, આશા છે કે તમને સૌને ગમસે.)

( 1 )  શ્રી. વિનોદ ગણાત્રા

ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીની બહુ લાઈમલાઈટમાં નહીં આવેલી એક પ્રતિભા છે વિનોદ ગણાત્રા. કદાચ ભારતમાં તેમને, તેમની ફિલ્મોને ઓળખનારા હશે તેના કરતાં વિદેશોમાં વધારે હશે. તેમની ફિલ્મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ્સ ગજાવે છે. તેમને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ફિલ્મફેસ્ટિવલમાં જયુરીના સભ્ય તરીકે પણ આમંત્રણ મળે છે. 

‘હેડા હૂડા’, ‘લુક્કા છુપ્પી’ અને ‘હારુન-અરુણ’. આવી ફિલ્મોનાં નામ સાંભળ્યાં છે? નથી સાંભળ્યાં ને? તો જાણી લો કે ‘હેડા હૂડા’ પંચાવન આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવાઈ ચૂકી છે, તો ‘લુક્કા છુપ્પી’ બાવીસ અને ‘હારુન-અરુણ’ બે ડઝન ફેસ્ટિવલની શોભા બની ચૂકી છે. આ ત્રણેય ફિલ્મોના દિગ્દર્શક છે આપણા ગુજરાતી વિનોદ ગણાત્રા.‘હારુન-અરુણ’ તો ગુજરાતી ભાષામાં અને ગુજરાતમાં શૂટ થયેલી ફિલ્મ છે, જેને શિકાગોઆંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં સુપ્રતિષ્ઠિત ‘લીવ ઉલમાન પીસ પ્રાઈઝ’ મળેલ છે.

કેતન મહેતાની ફિલ્મ ‘ભવની ભવાઈ’ (૧૯૮૦) પછી આટલું મોટું આંતરરાષ્ટ્રીય સન્માન કોઈ ગુજરાતી ફિલ્મને મળ્યું હોય તેવો આ પહેલો પ્રસંગ છે.

વિનોદ ગણાત્રા એ. દિગ્દર્શક તરીકે ફિલ્મો તો તેમણે ત્રણ જ બનાવી છે ‘હેડા હૂડા’, ‘લુક્કા છુપ્પી’ અને ‘હારુન-અરુણ’, (ત્રણેય ફિલ્મોનું નિર્માણ ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટી ઓફ ઈન્ડિયા’એ કરેલું છે) પરંતુ આ ત્રણ ફિલ્મો બનાવતા અગાઉ તેઓ ૪૦૦ જેટલી ડોકયુમેન્ટરી અને ન્યૂઝરીલનું દિગ્દર્શન-એડિટિંગ કરી ચૂક્યા છે તથા ૨૫ જેટલા જુદા-જુદા ટીવી કાર્યક્રમો પણ બનાવી ચૂક્યા છે.

ચાલો જાણીએ કે કેવી રીતે શરૂ થઈ તેમની આ દિગ્દર્શક તરીકેની યાત્રા તેમના જ શબ્દોમાં.

‘હું તો ભાઈ, મુંબઈના ઘાટકોપરમાં આવેલી ઝુનઝુનવાલા કોલેજમાં કલર્ક હતો, પણ એક રોંગ નંબરે મારી જિંદગી જ બદલી નાખી અને એ રોંગ નંબરને લીધે જ હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી ચઢ્યો. બાકી અમારા કચ્છી પરિવારમાંથી ફિલ્મમાં કોઈ નહીં. વળી,કચ્છી લોકોમાં તો ફિલ્મલાઈન ખરાબ લાઈન તરીકે જ ઓળખાય, પણ મને રસ ખરો. બીજું કે હું લોઅર મિડલ કલાસનું બાળક. મારા પિતાજી ડોક પર ક્લિયરિંગ એજન્ટનું કામ કરતા. મને ગમે તેટલો રસ હોય તો પણ ફિલ્મોનાં સપનાં જોવાં આપણું ગજું નહીં કારણ કે સારો સ્ટીલ ફોટોગ્રાફીનો કેમેરા પણ ખરીદવાના વેંત નહોતા.

આર્થિક કારણોસર જ કોમર્શિયલ આર્ટનો અભ્યાસ અધૂરો મૂકીને નોકરી પર લાગી જવું પડ્યું હતું. ઝુનઝુનવાલા કોલેજમાં કલર્ક તરીકે કામ કરતો. સાંજની કોલેજમાં મારી ડ્યૂટી હતી. એક દિવસ ખૂબ જ વરસાદ પડતો હતો. કોલેજમાં હું એકલો જ હતો ત્યારે એક ભાઈનો ફોન આવ્યો, એ ભાઈએ કહ્યું કે તમારી કોલેજની સામે જ હું રહું છું. ત્યાં મારી વાઈફ પ્રેગ્નન્ટ છે અને એકલી છે. પ્લીઝ તમે મારી વાઈફને મેસેજ આપો કે હું સલામત છું અને મારી ચિંતા ના કરે. હું કાલે જ ઘરે આવી શકીશ. મને એ ભાઈની વાતમાં સચ્ચાઈ લાગી એટલે મેં સામે ઝૂંપડપટ્ટીમાં તેનું ઘર શોધીને તેની પત્નીને મેસેજ આપ્યો કે તારો પતિ કાલે આવી જશે, તું ચિંતા ના કરીશ. એ પછી પેલા ભાઈ મારો આભાર માનવા માટે મળવા આવ્યા અને કહ્યું કે, તમારે શુટિંગ જોવું હોય તો કહેજો. મને શોખ તો હતો જ, પણ પહેલા ક્યારેય મોકો નહીં મળેલો, એટલે મેં તો એ ભાઈનું તરણું પકડી લીધું. એક દિવસ તેણે કહેલા મોડર્ન સ્ટુડિયો પર ગયો. ત્યાં ખબર પડી કે તે ભાઈ ઓફિસમાં પ્યૂન હતા.એમની ઓળખાણથી હું સ્ટુડિયોના ચક્કર કાપવા લાગ્યો. એક દિવસ મીનાકુમારીની ફિલ્મ‘અભિલાષા’માં પ્રોડક્શન યુનિટમાં કોઈ વ્યક્તિની જરૂર હતી, એટલે મને એ જોબ ઓફર મળી. હું તો નોકરી છોડી પ્રોડક્શનના કામમાં લાગી ગયો.

દિગ્દર્શક કાંતિલાલ દવેએ મને એડિટિંગ શીખવા કહ્યું, એટલે હું એડિટિંગ શીખવા લાગ્યો. પછી સહાયક દિગ્દર્શક તરીકે પણ કામ કર્યું અને પછી દિગ્દર્શક-એડિટર તરીકે ડોકયુમેન્ટરી કરવા લાગ્યો. અમદાવાદ દૂરદર્શન માટે ધીરુબહેનની વાર્તા પરથી‘નાગરદાસની હવેલી’  સિરિયલ બનાવી હતી. દિલ્હી દૂરદર્શન માટે ‘બેંગનદાદા’ બનાવી. મરાઠીમાં પણ ચાર સિરિયલો બનાવી. જીવનના બાવનમા વર્ષે મેં ફિલ્મમાં ઝંપલાવ્યું અને ‘હેડાહૂડા’થી શરૂઆત કરી.’

વિનોદભાઈની ફિલ્મોમાં બાળકો કેન્દ્રિય સ્થાને હોય છે. તેમની ત્રણમાંથી બે ફિલ્મોનું બેક ડ્રોપ કચ્છ છે. તેઓ કહે છે કે, ‘મને બાળકોના પ્રોગ્રામો અને તેમની વાતો વધારે ગમે છે. બે દાયકા કરતાં વધુ સમયથી હું બાળકોની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છું, મારી ‘બેંગનદાદા’સિરિયલ દૂરદર્શન પર ૧૭ વાર પ્રસારિત થઈ છે. ત્યારથી છોકરાઓ સાથે કામ કરવાની મજા પડે છે. વળી છેલ્લાં વીસ વર્ષથી હું આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ સાથે સંકળાયેલો છું. બીજી વાત કે કચ્છ એ મારું મૂળ વતન છે. બાળપણથી કચ્છ સાથેનો મારો ગાઢ નાતો રહ્યો છે. એટલે જ મારી ફિલ્મોમાં પણ કચ્છ જોવા મળે છે.’

તેમની ‘હેડા હૂડા’ ફિલ્મ દુનિયાના ૫૮ ફિલ્મ ફેસ્ટિવલમાં જઈ આવી.

તેઓ કહે છે કે, ‘જીવનભર મારે તો બાળકો માટે સારી સારી ફિલ્મો બનાવતા રહેવું છે, એ જ મારો ધ્યેય છે, પરંતુ બાળકોના વાલીઓને હું એક વાત ખાસ કહેવા માગું છું કે, મા-બાપબાળકોને સારી ફિલ્મો બતાવવા માટે જાગૃત થાય તે બહુ જરૂરી છે. બાળકને સારું જમવાનું આપવા માટે, સારાં કપડાં આપવા કટિબદ્ધ હો તો બાળકને સારું મનોરંજન આપવા પ્રત્યે પણ કટિબદ્ધ બનો.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

( 2 ) શ્રી. આતા

૯૩ વર્ષની વયના મારા મિત્ર શ્રી હિમતલાલ જોષીને વધારે લોકો તેમના હુલામણા નામ “આતા” કે “આતાઈ” થી ઓળખે છે. મારા પ્રત્યેક ઈ-મેઈલનો તરત જ જવાબ લખનારા આ આતા સદા આનંદિત રહે છે. તેઓ પોતાનો“આતાવાણી” નામે બ્લોગ ચલાવે છે, અને બીજા અનેક બ્લોગ્સની મુલાકાત પણ લેતા રહે છે. વેબ ગુર્જરી દ્વારા સન્માનિત આતાની વાત એમના શબ્દોમાં જ વાંચો.

“મારો જન્મ ૫ મી એપ્રિલ ૧૯૨૧ ના દિવસે દેશીંગામાં થયો હતો. દેશીંગા જુનાગઢ જીલ્લાના માણાવદર તાલુકાનું એક ગામ છે. મારા પિતા જેઠા બાપાદેશીંગામાં માસિક રૂપિયા ૧૨/- ના મબલખ પગારથી પોલીસ પટેલ તરીકે નોકરીકરતા.  હું દેશીન્ગાની નિશાળમાં ગુજરાતી પાંચ ધોરણ સુધી ભણ્યો; કેમકે વધારેધોરણ હતાં નહીં. પછી દેશીંગાથી અર્ધો ગાઉ દુર મરમઠ ગામમાં અંગ્રેજી વિનાસાત ધોરણ પાસ  કર્યા. મારી ભણવાની બહુ હોંશ હોવા છતાં, મારા બાપાનીગરીબીએ મને આગળ ભણતો અટકાવ્યો.  પછી મને બીલખામાં  શ્રી નથુરામશર્માનાં આશ્રમમાં સંસ્કૃત  ભણવા મુક્યો. આશ્રમ માં ભણતો હતો ત્યારે મનેપંજાબના ઉદાસી સંપ્રદાયના સાધુનો ભેટો થયો. આ સાધુ પાસેથી  હું ઉર્દુલખતા, વાંચતા શીખ્યો.  અહી મેં આશ્રમના એક ક્લાર્કને  લાકડીથી માર્યો હતો,અને આ કારણે મને આશ્રમમાંથી કાઢી મુકવામાં આવ્યો.

     આશ્રમમાંથી કાઢી મુક્યા પછી હું ઘરે આવ્યો, અને પછી મેં  ખાંડ, કેરોસીનવગેરે વસ્તુ  કાળાબજારમાં વેચવાનો  ધંધો શરૂ કર્યો,  પણ એમાં  જોખમહોવાથી મારી માએ  આવો ધંધો ન કરવાનું કહ્યું.

          આ વખતે બીજું વિશ્વ યુદ્ધ  જોરશોરથી  ચાલી રહ્યું હતું.  હું આર્મીમાં ભરતીથઇ ગયો. ૧૯૪૨ થી ૧૯૪૭ સુધી આર્મીમાં કામ કર્યું. બીજું વિશ્વયુધ્ધ પૂરૂં થઈ જવાથી મને સેનામાંથી છુટો કર્યો. ત્યાર બાદ, હું અમદાવાદ પોલીસ ફોર્સમાંજોડાયો. ૧૯૪૭ થી ૧૯૭૪ સુધી પોલીસ ખાતામાં કામ કર્યું. અમદાવાદમાં  હુંએક એવો પોલીસ હતો કે D.S.P. સુધીના માણસો મને અંગત રીતે ઓળખે. એનું કારણ એ કે,  હું  કાળા નાગને કોઈ પણ જાતના સાધન વગર મારા ખુલ્લાહાથથી પકડી લેતો. હું મારા આવા સરપ  પકડવાના ધંધાને લીધે  છાપે ચડ્યો હતો . અમદાવાદનો સુભાષ બ્રીજ બની રહ્યો હતો ત્યારે એના ચીફ એન્જીનીઅર બી. કુમાર હતા. તે  એક વખત સિનેમા જોઈ  ઘરે આવ્યા અને પથારી પાસેગયા ત્યારે, ત્યાં ગુંચળું વાળીને બેઠેલા નાગદેવતાએ ફૂફાડો મારીને એમનેડરાવ્યા. એટલે  એ તો હડી કાઢીને  બંગલાની બહાર નીકળી ગયા.  આ વખતેલોકોનું ટોળું પણ ભેગું થઇ ગયેલું. પણ મજાલ છે કે,  કોઈ બંગલા નજીક જાય! પણ એક ભડનો દીકરો  ભૈયો હતો તે  દરવાજા  પાસે હાથમાં લાકડી અનેટુવાલનો ડૂચો લઈને બેઠો હતો.  મને બોલાવવામાં આવ્યો. હું ગયો  એટલેભૈયાએ મને ચેતવ્યો કે,

“साब! आप साथ कुछ नहीं लाए। यह  साप बड़ा खतरनाक है।”

     મે તો મારા હાથમાં લાકડી હતી; એ પણ દુર મૂકી દીધી; અને પથારી પાસે ગયો. એટલે મને ડરાવવા નાગ દેવતાએ ફેણ માંડી, અને ફૂફાડો માર્યો.  હું સૌને સંભળાવવા બોલ્યો –

” નાગબાપા!  આ તમે જુઓ છો એ માંયલો માણસ હું નથી.”

     એમ બોલી ફેણ માથે હાથ મૂકી  નીચે કરી દીધી. પછી એના ગુંચળા નીચે મારા બે હાથની  હથેળીઓ ઘાલી  નાગદેવતાને  ઊંચા કરી મારા નાક સામે ફેણ મંડાવી; અને પછી ચાદરમાં મૂકી દીધા.

કોઈક બોલ્યું કે આને કૈંક ઇનામ આપવું જોઈએ.  બી. કુમારે  મને વીસ  રૂપિયાઆપવાનું કર્યું. મેં તેમને કહ્યું કે મારાથી સીધું ઇનામ ન લેવાય. તમે મને મારા ખાતા મારફત  આપો.

પછી તો છાપાંવાળાઓને ઈન્સ્પેક્ટરે  બોલાવ્યા.  મારો ઈન્ટરવ્યુ લેવડાવ્યો; અને હું તો છાપે ચઢી ગયો. મુંબઈના ‘જન્મભૂમિ’ છાપામાં આ મારા સર્પ પકડવાની વિગત પણ  છપાણી. મારો જીવતા સાપ પકડવાનો આ શોખ, એક વાર નાગના કરડવા છતાં, આજ સુધી કાયમ છે.

     પોલીસ ફોર્સમાંથી વહેલો નિવૃત થઈ અને મારા નાનાભાઈના તેડાવવાથી  ૧૯૭૪ માં અમેરિકા આવ્યો.  છ દિવસ આરામ કર્યાં પછી નોકરીની શરૂઆતકરી. ૧૯૮૫ સુધી પ્રિન્ટીંગ  પ્રેસમાં કામ કરી કમાયો અને એરિઝોનામાં  પોતાનીકમાણીથી  ઘર ખરીદ્યું.  છાપાઓમાં લેખો લખ્યા.  લેખોએ મને ઘણી પ્રસિદ્ધિ અપાવી. ડો. કનક રાવલ (જાણીતા ચિત્રકાર રવિશંકર રાવલના સુપુત્ર) જેવામિત્રો મળ્યા. શ્રી સુરેશ જાની (બ્લોગ જગતના જાણીતા સુરેશદાદા) એ મારો ઉત્સાહ  ખુબ વધાર્યો.

   અમેરિકા આવ્યા બાદ સાહિત્યમાં રસ કેળવાયો અને ઉર્દુ અને અરબી ભાષા શીખ્યો.  ૧૯૯૬ સુધી ન્યુ યોર્ક રાજ્યમાં અને ત્યારબાદ એરિઝોના રાજ્યમાં રહ્યો. ૪૦ વર્ષથી અમેરિકામાં રહેવા છતાં હજી અમેરિકાની નાગરિકતા સ્વીકારી નથી.

 ૨૦૦૭ માં  મારી પત્નીના પરલોક ગયા પછી  હું બહુ ઉદાસ રહેતો હતો; પણ મને પોતાના દાદાથી અધિક ચાહતી અને મને  મારી પોત્રી જેટલી જ  વહાલી, ગોરી અમેરિકન લિયા એ મારી ઉદાસીનતા દુર કરી.”

હાલમાં આતાજી સવારે વહેલા તૈયાર થઈ, સરકાર દ્વારા ચાલતા Senior Citizen Centre માં પહોંચી જાય છે, ત્યાં મિત્રોને મળે છે, કોમપ્યુટર ઉપર કામ કરે છે, વાંચન કરે છે, લેખ અને શાયરીઓ લખે છે. બપોરે ઘરે આવી થોડો આરામ કરે છે, ત્યાર બાદ ઘરના બાગમાં થોડું કામ કરે છે, લોકોને હળે મળે છે, અને આનંદમાં જીવન વ્યતિત કરે છે. એમને જીવન પ્રત્યે કોઈ ફરિયાદ નથી.

-પી. કે. દાવડા

 +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

પ્રસિધ્ધિથી દૂર રહેવા માગતા આ મળવા જેવા આ માણસ, શ્રી શરદ શાહ,વિષે હું કંઈપણ લખું એના કરતાં મારા આગ્રહને વશ થઈ એમણે મને ઈ-મેઈલ દ્વારા જે જણાવ્યું, એ જ અહીં re-produce કરૂં છું.

 ( 3 )  શ્રી શરદભાઈ 

પ્રિય દાવડાજી,

પ્રેમ,

સ્વપરિચયના પ્રયત્નમાં છું.બાકી જે શરીરને બધા શરદના નામે ઓળખે છે તેનો જન્મ ૪થી સપ્ટેમ્બર ૧૯૫૨ના રોજ બ્રાહ્મણ પરિવારમાં થયો. પરિવારતો બ્રાહ્મણ હતો પણ દાદાના સમયથી જ સંસ્કારોમાં ક્રાંતિ આવી ગઈ હતી. દાદાએ વૈષ્ણવ ધર્મી બાળવિધવા સાથે લગ્ન કરેલાં અને જ્ઞાત બહાર મુકાયેલાં. નાત-જાતના ભેદભાવોથી પરિવાર પર હતો. દાદાએ ભર યુવાનીમાં ઉપાસની મહારાજનુ શિષ્યત્વ સ્વિકારી સંસાર ત્યાગ કરેલ ત્યારે મારા પિતાનીઊંમર ફક્ત ચાર વર્ષની હતી. દાદીએ કઠીનાઈઓ વેઠી મારા પિતાનો ઊછેર કર્યો. મેટ્રીક્યુલેટ અને સંગિત વિશારદ(વોકલ) નો અભ્યાસ પિતાએ કરેલો. 

 

અમે ચાર ભાઈબહેનો(ત્રણ બહેન અને હું). હું સૌથી નાનો. મારી સાડા ત્રણ વર્ષની ઉંમરે મારી માતાએ શરીર છોડી દીધું. બાળપણની પરવરિશ દાદીએ કરી. આઠ વર્ષ પછી પિતાએ બીજા લગ્ન કરતાં, બીજી માતાના હાથે શેષ પરવરિશ થઈ. જીવનના ઘણાં પાઠ બાળપણમાં જ શીખી લીધા, જે મોટાભાગના લોકોને મોડા શીખવા મળે છે. પરિણામ સ્વરુપ ઘડતર એવું થયું કે ગમેતેવી વિપરીત પરિસ્થિતી પણ વિચલિત ન કરી શકે; જે આજે સન્યાસ આશ્રમ જીવન સ્વિકાર્યા પછી ખુબ ઉપયોગી સાબિત થઈ રહી છે.

 

ભણતરમાં, કોમર્સ ગ્રજ્યુએશન અમદાવાદમાં રહી ગુજરાત યુનિવર્સિટિથી કર્યું અને પોસ્ટગ્રેજ્યુએશન (માર્કેટિંગ અને મેનેજમેન્ટ) ભવન્સ કોલેજ મુંબઈથી કર્યું. ટ્યુશનોથી શરુ કરેલ વ્યવસાયિક કારકિર્દી,  ૩૧માર્ચ ૨૦૧૩માં રીટાયર થયો ત્યારે સિનિયર પ્રોજેક્ટ કન્સલટન્ટ તરીકે ગુજરાત ઈન્ડસ્ટ્રિયલ અને ટેકનિકલ કન્સલ્ટન્સી ઓર્ગેનાઈઝેશન લિમિટેડ (જીટકો લિમિટેડ) માં થયો. 

૧૯૭૧માં આચાર્ય રજનીશના પરિચયમાં આવ્યો અને ૩જી નવેમ્બર ૧૯૭૮ ના રોજ તેમના હાથે સન્યાસ લીધો. ૧૦ ડિસેમ્બર ૧૯૭૮ના રોજ લગ્ન કર્યા અને કાળક્રમે બે પુત્રોનો પિતા થયો. મોટાં પુત્ર પાર્ષદ નો જન્મ ૧૯૭૯માં થયો અને નાનો પુત્ર (પૂર્ણ)નો જન્મ ૧૯૮૨માં થયેલો. મોટાં પુત્રએ એમબીએ(માર્કેટીંગ) કર્યું. હાલ આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડન્ટ  તરીકે અમદાવાદની કંપનીમાં છે. નાના પુત્ર સી.એ. કર્યા પછી હાલ ફ્લીપ કાર્ટ નામની કંપની, બેંગ્લોરમાં,મેનેજર ફાઈનાન્સ છે. મોટા પુત્રને ત્યાં પુત્ર(રાહીલ) અને નાના પુત્રને ત્યાં પુત્રી (વૈશ્વી) છે, આમ હું હવે દાદા બની ગયો છું.

 

રીટાયર્મેન્ટ પછીનું શેષ જીવન અમારા ગુરુ જેમનું નામ સ્વામી બ્રહ્મવેદાંતજી છે અને જેમનો આશ્રમ માધોપુર(ઘેડ)માં છે ત્યાં રહી ગુજારવાનો નિર્ણય કરેલ છે. ૧૯૮૬મં સ્વામી બ્રહ્મવેદાંતના પરિચયમાં આવ્યો અને ત્યારથી તેમના આશ્રમમાં જતો આવતો.

 

 હું વિચારું છું કે મને શું યાદ રહી જાય છે અને હું શું ભુલી જાઊં છું?મનનીવૃતિઓ કેમ કાર્ય કરે છે ?  હવે ભિતર જોઊં છું તો સમજાય છે કે કોઈએ મેણું માર્યું, ટીકા કરી અપમાન કર્યું તો એ બધું મગજ માં કોતરાઈ જાય છે, પરંતુ કોઈએ પ્રેમ કર્યો, સ્વાગત કર્યું, ભોજન બનાવી પીર્સ્યું તે યાદનથી રહેતું. આવા નેગેટીવ મનની વૃત્તિઓમાંથી કેમ છુટવું?

 

મેં જોયું છે કે ઘણીવાર વ્યક્તિ, એક યા બીજી સાધના કરતાં હોય ત્યારે એવીભ્રમણામાં પડી જાય છે કે હું અદકેરો સાધક છું અને અન્ય બધા તુચ્છ જીવો છે.તેમનો ક્યારે છુટકારો થશે? તેની ચિંતા પણ કરતો હોય છે.

હું વિચારું છું કે હું દુખી ક્યારે થાઉં છું? શાને કારણે થાઉં છું? આનંદિત શાને કારણે થાઉં છું? હવે થાય છે કે મારા સુખ દુખનુ કારણ બહાર હોય તો હું તો પરવશ છું, ગુલામ છું. તો મારે મારા સ્વયંના સ્વામી બનવા શું કરવું? બહાર દુખ હોય અને છત્તાં ભિતર આનંદમાં કેમ રહેવું? બસ આજ કળા ગુરુ ચરણે બેસી શીખી રહ્યો છું.

 

ધાર્મિક અને આધ્યામિક પ્રવાસની વ્યાખ્યાઓ દૃષ્ટિ સાથે ફરી જાય છે. એક સમયે મંદિરે દર્શન કરવા જતો તો તે ધાર્મિકતા હતી. હવે મંદિરે દર્શન કરવા જાઉં ત્યારેની મનોદશા, ભાવદશા અને વિચારદશા કેવી છે તે ઓળખવી તે ધાર્મિકતા છે.એક સમયે આધ્યાત્મિકતા ઓશોના પુસ્તકો વાંચવા, ધ્યાનની વિધીઓ કરવી તે હતું, આજે સમજાય છે કે આ ક્ષણમાં જીવતાં આવડૅ તે જ આધ્યાત્મિકતા છે. જે શિખી રહ્યો છું.

 

મારો અનુભવ છે કે અહીં દરેક વ્યક્તિ પછી તે હિન્દુ હોય કે મુસલમાન, ખ્રિસ્તીહોય કે પારસી, જૈન હોય કે બૌધ્ધ, કે અન્ય કોઈપણ માર્ગે હોય. અરે! ગુંડો હોયકે દારુડીયો, કે ચોર હોય કે લુંટારો કે અન્ય કોઈ. બધા જ મનુષ્ય અહીં સુખ અનેઆનંદની શોધમાં જ છે તમે તેને પરમાત્મા કહી શકો. કારણકે પરમાત્મા આનંદસ્વરુપ છે (સત-ચિત્ત આનંદ).

કોઈને આનંદ ધનમાં દેખાય તો કોઈને સત્તામાં, તો કોઈને સુંદર સ્ત્રીમાં કે દારુનાનશામાં..પરંતુ ભ્રામક સુખ-આનંદ અલ્પજીવી હોય છે અને વહેલાં મોડાં એ દરેકવ્યક્તિને સમજાઈ જાય છે. સુખ- આનંદનુ લેબલ મારેલ બોટલોમાં પણ દુખઅને પીડાઓ ભરેલી હોય છે, અને જેમ જેમ એ નકલી દારુ પીવાતો જાય તેમતેમ પીડાઓ વધતી જાય. પછી જેવી જેની સહન શક્તિ અને બુધ્ધિમતા, એમુજબ સમય નક્કી થાય.પરંતુ એક વાત નક્કી છે કે દરેક જીવ શિવમાંથી આવ્યોછે અને પાછો શિવમાં ભળી જશે. આ પરમાત્મા અને પ્રકૃતિની એક રમત માત્રછે. રમત રમતની રીતે રમો તો જીવનમાં પણ આનંદ આવે છે અને  રમતમાં તણાઈ જઈએ તો પીડા.

હવે દેખાય છે કે અહીં મિત્ર અને શત્રુ જેવું કાંઈ નથી. આજે જે મિત્ર છે તે કાલે શત્રુ બની શકે છે અને આજે જે શત્રુ છે તે કાલે મિત્ર બની શકે છે. એટલે બહાર મિત્ર શોધવા કરતાં ભિતર મિત્રતાનો ભાવ શોધવો વધુ જરુરી છે.

 શેષ જીવન હવે ગુરુનિશ્રામાં અને ગુરુના માર્ગદર્શન હેઠળ જીવવું એવી ઈચ્છા છે.  હરી ઈચ્છા શું છે તે ખબર નથી.”

પ્રભુશ્રીના આશિષ. 

શરદ.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

(ગોવિંદભાઈ અમેરિકા સ્થિત મિત્રોમાં સૌથી પહેલા મારા મિત્ર થયા. એમને લીધે બીજા ઘણાં બધા મિત્રો મળ્યા)
( 4 ) ડૉ. કિશોરભાઈ મોહનભાઇ પટેલ.
                                                            કિશોરભાઈનો જન્મ ૧૯૫૯મા એક સાધારણ કુટુંબમાં થયો હતો. પિતા મોહનભાઈ   માત્ર એક જ  ચોપડી ભણેલા હતા આજીવિકા માટે વણાટખાતામાં વણકર તરીકે કામ કરતા હતા. માતા ગંગાબેન માત્ર છ ચોપડી ભણેલા હતા પરંતુ તેમને તેમના બાળકોને ભણાવવાની ખુબ જ  ઈચ્છા હતી. કુટુંબમા મોહનભાઈના મા-બાપ, પત્ની, બે પુત્ર અને બે પુત્રીઓ આમ આઠ જણનું પરિવાર હતું, અને કમાનાર મોહનભાઈ એકલા હતા.
૧૦ ફૂટ X ૧૦ ફૂટ ની ઓરડીમાં આ આખું પરિવાર સમાઈ જતું. સંતાનો ભણી શકે એટલા માટે મોહનભાઈ લોકો પાસેથી જૂના પુસ્તકો લઈ આવતા. ગંગા બહેન પડોસમાં રહેતા એક પારસી બાઈને ત્યાં રસોઈ કરતા, બદલામાં એમને થોડું ખાવાનું મળતું અને એમના બાળકોને પારસીના ઘરમાં બેસી વાંચવાની સગવડ મળતી. ચારે ભાઈ બહેન પણ નાના મોટા કામની શોધમાં રહેતા અને થોડા ઘણાં પૈસા લાવી ઘરમાં મદદરૂપ થતા.
૧૯૭૧ ની સાલમાં ધોરણ ૮ માં પાસ થઈ, આર્થિક કારણોસર કિશોરભાઈનેઅધવચ્ચેથી શાળા છોડી દેવી પડી. કુટુંબને મદદરૂપ થવા એમણે ૧૯૭૧ થી નોકરી કરવાનું શરૂ કર્યું, સાથે સાથે ઘરે પુસ્તકો વાંચી ભણવાનું ચાલુ રાખ્યું અને ૧૯૭૮ માં ખાનગી વિદ્યાર્થી તરીકે એસ.એસ.સી.ની પરીક્ષાઆપી. 
૧૯૭૮ માં એસ.એસ.સી. માં પાસ થયા પછી નોકરીની સાથે સાથેભણવાનું ચાલુ રાખ્યું. આજે એમની પાસે M.Com., M.A., M.Ed. (Gold Medal) અને Ph.D ની ડીગ્રીઓ છે.૧૯૮૭ માં એમણે શિક્ષકની નોકરી સ્વીકારી. ૨૦૦૬મા એમને ગુજરાત રાજ્ય તરફથી શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક આપવામાં આવ્યું.
૧૯૮૯ માં કિશોરભાઈના લગ્ન થયા, એમના પત્ની સુમિત્રા પણ શિક્ષીકા જ છે. કિશોરભાઈના એક પુત્ર અને એક પુત્રી છે. પુત્ર કુણાલ M.E. ના છેલ્લા સેમિસ્ટરમાં છે અને પુત્રી M.B.B.S. ના બીજા વર્ષમાં છે.આજે પણ કિશોરભાઈ એક શિક્ષક જ છે. વિદ્યાર્થીઓ માટે મદદરૂપ થાય એવા અનેક સોફટ્વેર એમણે તૈયાર કર્યા છે. 
એમના લેખનના શોખના પરિણામે એમના ચાર પુસ્તકો પ્રકાશિત થયા છે, શબ્દનો પડછાયો ( કાવ્યસંગ્રહ ), શબ્દના શિખરો ( કાવ્ય સંગ્રહ ), મારા શિક્ષણાનુંભવોની યાત્રા(શિક્ષણની સમસ્યા ઉકેલ પર લેખો ), શિક્ષણ સરોવર  ( કાવ્ય સંગ્રહ ).એમના કેટલાક કાવ્યો બદલ ગુજરાતના આગળ પડતા નેતાઓ અને પ્રધાનોએ એમને અભિનંદન પત્રો લખ્યા છે.અનેક સામાજીક કાર્યોમાં કિશોરભાઈએ સક્રીય ભાગ લીધો છે, એમાના થોડાક કાર્યો આ પ્રમાણે છે, 
બેટી બચાવો અભિયાન, વ્યસન મુક્તિઅભિયાન, નિર્મલ ગુજરાત અભિયાન,  માતૃવંદના અભિયાન, નારી તુંનારાયણી અભિયાન, બાળ નિરોગી બારખડી અભિયાન,  શિક્ષક દેવો ભવઅભિયાન વિગેરે.૧૧ મા અને ૧૨ મા ધોરણના વિદ્યાર્થીઓ માટે એમણે અનેક સોફટ્વેર તૈયાર કર્યા છે. ૨૦૦૯ થી શરૂ કરેલા એમના બ્લોગ “શિક્ષણ સરોવર” નો અનેક વિદ્યાર્થીઓ લાભ લે છે.
માત્ર વિદ્યાર્થીઓને જ નહિં, શિક્ષકોને પણ એમણે અનેક ક્ષેત્રોમાં તાલીમ આપી છે, જેવા કે ચૂંટણીમાં અધિકારી તરીકે કામ કરવાની તાલીમ, વસ્તી ગણત્રી કરવાની તાલીમ, આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્રની તાલીમ વગેરે વગેરે.શ્રી કિશોરભાઈને અત્યાર સુધીમાં મળેલા  સન્માનોની યાદી પણ જોવા જેવી છે. જ્યારે M.Ed. મા ઉત્તિર્ણ થઈ સુવાર્ણ ચંદ્રક મેળવ્યો ત્યારે ગુજરાતના ગવર્નર શ્રી સુંદરસિંહ ભંડારી અને મુખ્યપ્રધાન
શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે તેમનું સન્માન થયું. ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પારિતોષક મળ્યું ત્યારે તે સમયના ગવર્નર શ્રી નવલકિશોર શર્માના હાથે, અને શિક્ષામંત્રી શ્રીમતિ આનંદીબહેન પટેલના હાથે તેમનું સન્માન થયું. સુરત શહેરના વિકાસ માટે તેમના લેખને પ્રથમ સ્થાન આપી મેયર શ્રી ભીખાભાઈ બોઘરાના હાથે અહે કમિશ્નર શ્રી ગુરૂપ્રસાદ મહાપાત્રના હાથે તેમનું સન્માન થયું. પર્યાવરણ બચાવો વિષય પર લખેલા તેમના કાવ્ય માટે મેયર શ્રીમતિ સુષ્માબેન અગ્રવાલના હાથે સન્માન થયું.
આમ સામાન્ય પરિસ્થિતિમાંથી ઉપર ઉઠી, સમાજમાં પોતાનું સ્થાન અંકિત કરવાવાળાઓમાં કિશોરભાઈનું માનભર્યું સ્થાન છે. કિશોરભાઈ કહે છે, “ ભગવાને અમારી પ્રમાણિકતાનો બદલો અપેક્ષા કરતાં વધારે આપ્યો છે. 
આજે અમે ખૂબ સુખી છીએ. આપ જેવા મિત્રોનો પ્રેમાળ સહયોગ મળ્યો છે.”
કિશોરભાઈનો યુવાનોને સંદેશ છે, “ગમે તેવી ખરાબ પરિસ્થિતિ હોય તો પણ પ્રમાણીકતા ન છોડશો, ભગવાન તમારી મદદે જરૂર આવશે.”
-પી. કે. દાવડા
 

( 5 ) શ્રી. ગોવિંદ પટેલ (જાણવા જેવા માણસ)

ગોવિંદભાઈનો જન્મ ૧૯૪૮ મા આણંદ જીલ્લાના પેટલાદ તાલુકાના જેસરવા ગામમાં થયો હતોજેસરવામાં ચાર ધોરણ સુધી અભ્યાસ કરીપાંચમાથી સાતમા ધોરણ સુધીનો અભ્યાસ કરવા પેટલાદમાં રહ્યાત્યારબાદ શિક્ષક થવાની ટ્રેઈનિંગ માટે વલ્લભ વિદ્યાલયબોચાસણમાં ગયા૧૯૬૯ માં પેટલાદ તાલુકાના માનપુરા ગામમાં શિક્ષક તરીકેની નોકરીથી કારકીર્દીની શરૂઆત કરીલગભગ ૨૦ વર્ષ સુધી વિવિધ શાળાઓમાં શિક્ષક તરીકે કામ કર્યા બાદ૧૯૮૯ માં ઓ.એન.જી.સીખંભાતમાં ૧ થી ૪ ધોરણની નવી શાળા શરૂ કરીમુખ્ય શિક્ષક તરીકે ગોવિંદભાઈ અને સહાયક શિક્ષક તરીકે ખોડસિંહ પરમારશાળા શરૂ કરવા માટે જીલ્લા પંચાયતને બાંહેધરી આપેલી કે દરેક વર્ગમાં  ઓછામાં ઓછા ૨૫ થી ૩૦ બાળકો હશેઆ સંખ્યા ઝૂટાવવા સવારના સાત વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી વાલીઓને સમજાવવા ઘરો ઘર ફરવું પડેલુંજૂનમાં શાળા શરૂ કરી અને ડીસેમ્બરમાં તાલુકાના શાળા શતાબ્દી મહોત્સવ નિમિત્તે ભરાયલા વિજ્ઞાન મેળામાં ભાગ લીધોબસ થઈ ગઇ શરૂઆત ! ત્યાર બાદ પાંચ જીલ્લા કક્ષાના અને એક રાજ્ય કક્ષાના વિજ્ઞાનમેળાઓમાં ભાગ લીધો.

શિક્ષક તરીકે કામ કરતાં કરતાં પણ ગોવિંદભાઈ સમાજ પ્રત્યેની ફરજ બજાવવાની એક પણ તક જવા ન દેતા૧૯૭૩ માં ભાલ વિસ્તારમાં અને ૧૯૭૯ માં મોરબીમાં આવેલા પૂરના રાહત કાર્યોમાં ગોવિંદભાઈએ પૂરજોરમાં કામ કરેલું૧૯૭૩ થી ૧૯૯૦ સુધી દર વર્ષે ગ્રામ સફાઈ સિબીરોમાં જઈને કામ કરતાદુષ્કાળ રાહતના કામોમાં પણ ગોવિંદભાઈ સામિલ હોય જ.

રાજકારણમાં શરુઆતથી જ ગોવિંદભાઈને રસ પડતો૧૯૫૯૬૦ ની મહાગુજરાત માટેની ચળવળ૧૯૭૪ નું નવ નિર્માણ આંદોલન અને ૧૯૭૫ ની ઈમરજન્સીઆમ બધી ચળવળમાં ગોવિંદભાઇએ જુસ્સાભેર ભાગ લીધેલો.

૧૯૯૦ માં ગોવિંદભાઈના અમેરિકા સ્થિત સાળી મંજૂલાબહેનના આગ્રહથી ગોવિંદભાઈ સહકુટુંબ અમેરિકામાં સ્થાયી થવા આવ્યાઆવીને બે મહિના સાઢુભાઈની નર્સરીમાં કામ કર્યુંત્યારબાદ સોલિડ સ્ટેટ ડિવાઈસ નામની કંપનીમાં કલાકના ૩.૨૫ ડોલરના પગારે નોકરી શરૂ કરીત્યારે કલાકના ૩.૨૫ ડોલર એ અમેરિકામાં ન્યુનતમ પગારનું કાયદેશરનું ધોરણ હતું.ત્યારબાદ પ્રેમજીભાઈ નામના એક ગુજરાતીએ કલાકના ૪.૦૦ ડોલરના હિસાબે ગોવિંદભાઈને કામ આપ્યું.

૧૯૯૧ માં પ્રદીપભાઈ પટેલની એક મોટેલમાં બે મહિના માટે કામ કરી,મોટેલના ધંધા વિશે ઘણી જાણકારી હાંસિલ કરી૧૯૯૨ માં સ્ટાર ડસ્ટ મોટેલમાં દસ મહિના માટે કામ ક્ર્યુંથોડિક આર્થિક સ્થિરતા આવી એટલે એમણે એમની માતા સુરજબાને વિઝીટર વિશા લઈ અમેરિકા તેડાવ્યા.અમેરિકા આવ્યાની આઠ મહિનાની અંદર જ માતા સૂરજબાનું અવસાન થયું,એટલે ૧૯૯૨ માં જ ગોવિંદભાઈ મા ના અસ્થિ લઈ ભારત પાછા આવ્યા અને ત્રણ માસ માટે ફરી ખંભાતની ઓએનજીસીપ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરીઅહીં તેમની અગાઉની નોકરી અને આ ત્રણ માસની નોકરીને ગણત્રીમાં લઈ એમને પેન્શન આપવાનું નકકી થયુંગોવિંદભાઈએ આ પેનશનની રકમ ગામનો પાણીવેરો ભરવા માટે દાનમા આપી દીધી.હજીસુધી ગામનો પાણીવેરો આ પેનશનની રકમમાંથી ભરાય છે.

૧૯૯૩ માં અમેરિકા પાછા ફરી ફરી એક મોટેલમાં નોકરી શરૂ કરીએ જ વર્ષે એમના નાનાભાઈને સહકુટુંબ અમેરિકા બોલાવી લીધા૧૯૯૪ માં એક પ્રોડ્યુસ માર્કેટમાં નોકરી કરીઆમ થોડો થોડો આવકમાં વધારો કરવા નોકરીઓ બદલતા રહ્યા૧૯૯૫ માં એક હેન્ડલુમ ફેકટરીમાં બાર કલાકની રાતપાળીના મેનેજર તરીકે નોકરી કરી.

૧૯૯૫ માં ગોવિંદભાઈની કારને અકસ્માત નડ્યોહેલીકોપ્ટરથી એમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાનશીબ જોગે એ થોડા સમયમાં ઠીક થઈ ગયાઅને ફરી પાછા સખત મજૂરીવાળી નોકરીમાં લાગી ગયા.

એમણે ભારતમાં રહીને જે સામાજિક કાર્યો કરેલા એને લીધે એમની રાજકારણીઓ સાથે સારી જાણપિછાણ થઈ ગયેલીએટલે એમની સેવાઓનો ઉપયોગ કરવા ગુજરાતના મુખ્યમંત્રીઓ અને ભાજપના મોટા નેતાઓ પણ ચૂંટણી વખતે ગોવિંદભાઈને ભારત બોલાવતાબદલામાં ગોવિંદભાઈના ગામમાં નાનીમોટી પ્રવૃતિઓના ઉદઘાટન માટે તેઓ ઉપલબ્ધ થતા.ગોવિંદભાઇના કૌટુંબિક પ્રસંગોમાં પણ જાણીતા નેતાઓ હાજરી આપતા.

૧૯૯૬ થી ૧૯૯૮ સુધી અમેરિકામાં વિનસ ટેક્ષટાઈલ્સ નામની કંપનીમાં નોકરી કરી૧૯૯૮ માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે ભારત આવ્યા.અહીં તેમનો સંપર્ક સુષ્મા સ્વરાજનરેશ કનોડિયાશત્રુજ્ઞ સિંહાઅશોક ભટ્ટ અને રમણસિંહ જેવા મોટા નેતાઓથી થયોઆમાના કેટલાક આજે પણ ગોવિંદભાઈના સંપર્કમાં છેગોવિંદભાઈના આ સંપર્કને લીધે જેસરવા અને એની આસપાસના ગામોના વિકાસ કાર્યોમાં તેજી આવી.

૧૯૯૮ માં ગોવિંદભાઈએ પોતાની મા ના નામે “માતૃશ્રી સુરજબા પરાર્થે સમર્પણ” નામના ટ્રસ્ટનિ સ્થાપના કરીઆ ટ્રસ્ટ દ્વારા ચૈત્રી પુનમે ડાકોર જતા પગપાળા યાત્રાળુઓ માટે ઠંડી છાશનો બંદોબસ્ત કરાયોમોટી ઉમરના યાત્રાળુઓના પગ દબાવી આપવા પગારદાર માણસો રોક્યા૧૯૯૯ માં ગામમાં “સુરજબા કન્યા વિદ્યાલય” શરૂ કરીજેમાં બાળાઓને વિના મુલ્ય શિક્ષણ ઉપરાંત કપડાંચપ્પલપુસ્તકોનોટબુક્સકમ્પાસપેન અને પેન્સીલ આપવામાં આવતાસરકાર સાથે શાળાની જમીન અંગે મતભેદ થતાં ૨૦૧૦ માં આ શાળા બંધ કરી.

૧૯૯૯થી એક મોટેલમાં કાયમી નોકરી મળીમોટેલમાં એમને રહેવા માટે ઘર,પાવરપાણી અને ગેસ પણ મોટેલ તરફથી વિના મુલ્યે મળ્યાગોવિંદભાઇએ એમના પત્નિ અને બાળકો સાથે મળી નક્કી કર્યું કે દર મહિને આપણા ૪૦૦૫૦૦ ડોલર બચે છે તો આ રકમા શા માટે સેવા કાર્યોમાં ન વાપરવી?બસ એમણે શરૂઆત કરી દીધી૧૯૨ દેશોના ધ્વજ થોકબંધ ખરીદીને ગુજરાતની વિવિધ શાળાઓના બાળકોને મોકલી આપવાગુજરાતના નકશા થોકબંધ ખરીદીને શાળાઓને ભેટમાં આપવા અને કોઈપણ સામાજીક પ્રવૃતિમાં મદદ કરવા જેવું લાગે તો મદદ કરવી.

૨૦૦૯ માં જાણીતા ગુજરાતી ભાષાના બ્લોગ્સને આર્થિક મદદ કરીપોતે પણ પરાર્થે સમર્પણ અને ગોદડિયો ચોરો નામના બે બ્લોગ્સ ચલાવે છેગોદડિયો ચોરો નામની તળપદી ભાષાની લેખમાળા લખે છે, અને કવિતાઓ લખે છે.

નાની આવક પણ મોટું મનબસ આ જ એક વાત એમને મળવા જેવા માણસ બનાવવા માટે પૂરતી છે.

પીકેદાવડા

( 6 ) બાર્બરા અને ડેવિડ લીંડસી

૧૯૯૪મા મારો પુત્ર ભાવેશ મુંબઈથી B.E. (Electronics) કરી અમેરિકાની University of Denver મા M.S. (Computer Science) નો અભ્યાસ  કરવા ગયો. કોલેજની નજીક એક ભાડાના Appartment મા રહેવાનું શરૂ કર્યું. શરૂઆતમા જેમ ઘણાને આવે છે તેમ એનો પણ Home sickness નો દોર આવ્યો. એક દિવસ એ Apartment માં ભીની આંખે એકલો ગમગીન બેઠો હતો ત્યારે Tim Lindsey નામનો એનો એક નવો મિત્ર આવ્યો. એણે હકીકત પૂછી. ભાવેશે કહ્યું કેકંઈ  નહિં એ તો જરા ઘર યાદ આવી ગયું.

 

બીજે દિવસે ટીમે એના Parents ને આ વાત કરી. ટીમના Mother Mrs. Barbara Lindsey એ ભાવેશને ફોન કરી કહ્યું કે સાંજે એ એને મળવા આવસે.શરૂઆતમા ભાવેશ પાસે car ન હતી એટલે Mrs. Lindsy પોતાની ગાડીમા એને પોતાના ઘરે તેડી ગયા અને બે કલાક બાદ પાછા મૂકી ગયા. આ બે કલાક દરમ્યાન એમણે અને Mr. David Lindsey એ ભાવેશને કહ્યું કે અમારા બે દિકરા છે, Tim અને Joe પણ આજથી અમારા ત્રણ દિકરા છે, Tim, Joe અને ભાવેશ. અમેરિકામા અમે તારા મા-બાપ છીએ. જ્યારે પણ તને એકલું લાગે ત્યારેફોન કરજે, અમે તને તેડી જઈશું.

 

બસ ત્યાર બાદ એમના દરેક તહેવાર અને ઊજવણીઓમાં  ભાવેશને સામેલકરતા,  સગાં-સંબંધીઓ જોડે ભાવેશની ઓળખાણ પોતાના દિકરા તરીકે કરાવતા. ભાવેશ આ વાત અમને ટેલીફોન પર કરતો, અમને આનંદ સાથે આશ્ચર્ય પણ થતું. ૧૯૯૬મા અમે પહેલીવાર અમેરિકા આવ્યા ત્યારે લીંડસી કુટુંબ સાથે અમારી પહેલી મુલાકાત થઈ. એમણે અમને Dinner માટે બોલાવ્યા. અમે સંપૂર્ણ શાકાહારી હોવાથી તેમણે એક અઠવાડિયા પહેલા શાકાહારી ખોરાક રાંધવાના પુસ્તકો ખરીદયા, સામગ્રી ખરીદી, Test meal રાંધી જોયું અને પછી અમને ઘરે બનાવેલી બ્રેડ, મસૂરની દાળ, ભાત અને શાક અને શાકાહારી ડેઝર્ટ જમાડ્યું. જમતી વખતે એમણે અમને ભાવેશની જરાપણ ચિંતા ન કરવાનું કહ્યું.Mr. Lindsey અમેરિકન સરકારના senior Geologist છે અને Mrs. Lindsey શાળામા શિક્ષિકા છે.

 

ભાવેશના લગ્ન ૧૯૯૯ માં મુંબઈમા થયા હતા. લગ્ન પછી ભાવેશ અને એની પત્ની કવિતા અમેરિકા ગયા બાદ તરત લીંડસી ને મળવા ગયા. એમણે કવિતાને કહ્યું ભાવેશ અમારો દિકરો છે, આ હિસાબે તું અમારી પુત્રવધુ થઈ, અમે તારાસાસુ  સસરા છીએ. કવિતાએ રાજી થઈ આ સંબંધ સ્વીકારી લીધો. ટીમ તો કવિતાનો સગો દિયર જ થઈ ગયો.

 

એપ્રિલ ૨૦૦૨ મા મારી પૌત્રી પ્રિષાના જન્મ વખતે અમને કંઈક અડચણ હોવાથી અમે અમેરિકા ન જઈ શક્યા. કવિતાના માતા-પિતાને વિઝા ન મળ્યા. અમે ખૂબ ફિકરમા હતા પણ લીંડસીએ બધું સંભાળી લીધું. પ્રિષા માટે ૨૦૦ ડોલરની બાબાગાડી અને બીજી અનેક વસ્તુઓની ખરીદી એમણે કરી અને પોતાના Drawing room મા નાની પ્રિષાનો ફોટો ટાંગ્યો (જે હજી પણ ત્યાં જ છે.) ભાવેશ અને કવિતાને કોઈ કારણસર બહાર જવું હોય તો બે ત્રણ કલાક માટે પ્રિષાને લીંડસીનેત્યાં મૂકી જતા. એમણે, છી છી, સૂ સૂ, મમ મમ વગેરે શબ્દો શીખી લીધેલા. પોતાના સગાંસંબંધી અને મિત્રોને એ પ્રિષાનો ફોટો બતાવી, આ અમારી પૌત્રી છે એમ કહેતા.

 

આ પૂરા સમય દરમ્યાન ભાવેશ અને કવિતા Father’s day, Mother’s day, લીંડસીના અને એમના છોકરાઓના જન્મદિવસ વગેરે યાદ રાખી ઊજવણીમા સામેલ થતા. લીંડસી પણ ક્રિસમસ, થેંક્સ ગીવિંગ વગેરે પ્રસંગોમા ભાવેશ-કવિતા-પ્રિષાને સામેલ કરતા. પ્રિષાને ક્રિસમસ અને એના જન્મદિને મોંગી મોંગીચીજો ભેટમા આપતા.

 

૨૦૦૨ અને ૨૦૦૫ની વચ્ચે અમારી અમેરિકાની બે મુલાકાતો થઈ. બંને મુલાકાતોમા એમના ઘરે જમવાનું થયું. એમનું કુટુંબ પણ પ્રસંગોપાત ભાવેશને ઘરે જમવા આવતું. બન્ને મુલાકાતમાં, એમના આગ્રહથી એક આખા દિવસનોprogramme કરેલો. એમા હું, મારી પત્ની અને મીસ્ટર અને મીસિસ લીંડસી, ચારેજણ એમની Lexusમાં ફરવા જતા. એ અમને એમની પસંદગીના જોવા લાયક સ્થળોએ લઈ જતા, ત્યાંની ખાસ ખૂબીઓ સમજાવતા. આખા દિવસની ટુર હોવાથી બપોરે એક સારા ઈન્ડિયન રેસ્ટોરાંમા જમવા લઈ જતા, સાંજે ઈંડા વગરની આઈસ્ક્રીમ ખવડાવતા, અને સાંજે અમારા ઘરે મૂકી જતા. આ બન્ને વિઝીટ દરમ્યાન Mother’s day બન્ને કુટુંબોએ લીંડસીને ત્યાં ઊજવેલા તો Father’s day ભાવેશના ઘરે ઊજવેલા.

 

૨૦૦૫મા ભાવેશ કેલિફોર્નિયા shift થયો. લીંડસીએ હસતે મોઢે જવા રજા તો આપી, પણ આટલા સમયમા એમણે ખરા હ્રદયથી જે સંબંધ સ્વીકારેલો તેથી ત્રણેક મહિનામાં જ ભાવેશ અને એનું કૂટુંબ વ્યવસ્થિત settle થયું છે કે નહિં તે જોવા કેલીફોર્નીયા આવ્યા, અને ભાવેશ કવિતાના આગ્રહને લીધે ચાર દિવસમાટે  ભાવેશના ઘરે જ રોકાયેલા, અને આપણો જ નાસ્તો અને ખોરાક લીધેલો.

 

બસ પછી રૂટિન શરૂ થયું. થોડા થોડા દિવસે બાર્બરા લીંડસી અને કવિતા ટેલીફોનથી એક્બીજાના ખબર અંતર પૂછી લે, બંને કુટુંબ એક બીજાને તહેવાર અને જન્મદિવસની વધાઈ અને ભેટ સોગાદ મોકલે અને વરસમા એક્વાર ડેવિડ અને બાર્બરા કેલિફોર્નિયા આવી ચાર દિવસ પ્રિષા સાથે રમી જાય. ભાવેશને કોઈ વડિલની સલાહની જરૂર હોય તો એ ડેવીડ લીંડસીની સલાહ લે. અમારી ૨૦૦૮ની અમેરિકાની વિઝીટ દરમ્યાન, અમારી ઈચ્છાથી એ અમને મળવા કેલીફોર્નિયા આવ્યા અને ચાર દિવસ અમારી સાથે રોકાયા.

અમને ક્યારે પણ એવું ન લાગ્યું કે અમે એક ગોરા અમેરિકન કપલ સાથે રહિયે છીએ.

 આવા માણસો જીવનમાં  ખરેખર નશીબવાળાને મળે છે.

 

-પી.કે.દાવડા

 

6 responses to this post.

 1. આદરણીયશ્રી. દાવડા સાહેબ

  આપ દ્વારા શ્રી. વિનોદ ગણાત્રાજીનો પરિચય અને જીવન યાત્રા વિશે જાણી ખુબ જ આનંદ થયો,

  યુવાનોને પ્રેરણા મળે તેવા મહાનુભાવાનો સંગ થાય તે અતિ આવશ્યક છે,

  શ્રી. વિનોદભાઈને મારા કોટો કોટિ વંદન

  Like

  Reply

 2. શ્રી. દાવડા સાહેબ

  આપે તો સાચેજ વિશ્વભરમાંથી ગુજરાતીઓના ખમીર અને પ્રેરણા સ્ત્રોત શોધીને યુવાનોની

  પ્રગતિમાં ઉત્સાહ પ્રેરક સત્ય કહાનીઓ પ્રસ્તુત કરી તે બદલ ધન્યવાદ

  Like

  Reply

 3. Posted by Ramesh Patel on 27/03/2014 at 3:27 am

  આદરણીય શ્રી દાવડાસાહેબની આ શ્રેણીએ..પોતિકા માણસોની પ્રતિભા માણવાનો મોકો મળ્યો છે. દાદાશ્રી આતાજીની વાતો , મને મારા દાદાશ્રી પીએસઆઈ દ્વારકાદાસ પટેલની, અંગ્રેજ જમાનેકા અફસરની યાદ દઈ ગયા.

  તે પણ સાદરા, ભરુચ, સુરત વિગેરે સ્થળોએ ફરજ પર હતા..તેમના રસલા ઘોડા સાથે રુઆબી ઠાઠની વાતો પિતાશ્રી પાસેથી જાણેલી..જાણે બીજા સોરઠના સાવજ છેલભાઈ!

  આતાજીની કહાણી જેવી જ શ્રી શરદભાઈ, વિનોદભાઈ ને ગોવિંદભાઈની કહાણી..રસપ્રદ છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  Reply

 4. vaah…સાચા અર્થમાં મળવા જેવા માણસો.વાંચીને ખરેખર મળવાનું મન થ ઇ ગયું. કેવી રીતે કયાં મળી શકાય તે જાણ નથી. પરંતુ તેમને સલામ..સલામ..દિલ સે..આવા લેખોની..આજે સમાજમાં ખાસ જરૂર છે. એમ લાગે છે. નેગેટીવ વાતોનો પ્રચાર જેટલો થાય છે એટલો પોઝીટીવ વાતોનો નથી થતો. એ કદાચ આપણી કમનસીબી છે. મીડિયામાં હકારાત્મક વાતો ને પણ પ્રાધાન્ય મળવું જોઇએ. જેથી મનમાં વિશ્વાસ જાગે કે ના..ના..હજુ દુનિયામાં ઘણી સારી વાતો, સારા માણસો પણ છે જ. જીવન સુંદર છે. જો જીવતા આવડે તો. આભાર દાવડા સાહેબ…મજાના લેખ બદલ

  Like

  Reply

 5. આદરણીય વડિલ દાવડા સાહેબની કલમે આલેખાયેલ આ શ્રેણી એક સોનાની ખાણ સમાન છે

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: